અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની ત્રિદિવસીય મુલાકાતમાં રોડ શો, પબ્લિક મિટીંગ અને ખાટલા પરિષદ યોજી દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. નવસારીમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક થઇ હતી જેમાં દલિતોની માગ મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે, બેઠક બાદ મેવાણીએ કોંગ્રેસમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, પણ દલિતવિરોધી ભાજપને હરાવવા શક્ય પ્રયાસો કરવા સંકલ્પ કર્યો હતો. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ બાદ ત્રીજીએ દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીને પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા કોંગ્રેસે આમંત્રણ પાઠવ્યું હતું, પણ નિરાશા સાંપડી હતી.

